નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) એ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે એટીએમથી કેશ કાઢવાની મર્યાદામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. એનો અર્થ એ થયો કે હવે ગ્રાહકોને અત્યારની સરખામણીએ રોજ ઓછી કેશ કાઢવા મળશે. અત્યારે એસબીઆઇ બેંકના ડેબિટ કાર્ડ ધારકો રોજ 40 હજાર રૂપિયા એટીએમમાંથી કાઢી શકે છે. પરંતુ હવે આ મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે 20 હજાર રૂપિયા જ કેશ કાઢી શકાશે. જોકે એસબીઆઇ દ્વારા આ નવો નિયમ 31મી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. આ અંગે બેંક દ્વારા વિવિધ શાખાઓને જાણકારી પણ આપી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસબીઆઇની વિવિધ શાખાઓને મોકલવામાં આવેલા આદેશમાં કહેવાયું છે કે, બેંકોના એટીએમ ટ્રાન્જેકશનમાં થતી ગેરરીતિ અને છેતરપિંડીની ફરિયાદોને ધ્યાનમાં લેતાં તેમજ ડિજિટલ કેશલેસ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવાના હેતુથી કેશની મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. ક્લાસિક અને મેસ્ટ્રો પ્લેટફોર્મ પર ઇસ્યુ કરાયેલા ડેબિટ કાર્ડમાં આ નવો નિયમ લાગુ થશે. 


છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યુ છે કે, એટીએમ મશીનની આસપાસ કેમેરા લગાવીને ગ્રાહકોનો પિન નંબર ચોરવામાં આવે છે અને કાર્ડ ક્લોન કરી છેતરપિંડી કરવામાં આવે છે. એસબીઆઇનું કહેવું છે કે, જે ગ્રાહકોને એક દિવસમાં 20 હજાર કરતાં વધુ રકમની જરૂર હોય એવા ગ્રાહકોને ઉંચી કેટેગરીનું ડેબિટકાર્ડ લેવાનું રહેશે. આ કાર્ડ એવા બેંક ખાતા ધારકોને આપવામાં આવશે જેમના ખાતામાં મિનિમમ બેલેન્સ વધુ હોય.